અફઘાનિસ્તાનમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ પોતાના સૈન્ય પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પર કબજો કર્યો છે એવામાં કંદહાર શહેર પર કબજો જમાવવા માટે તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કર્યો હતો. આ હુમલા પછી એરપોર્ટ પરથી બધી જ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. બીજીબાજુ અફઘાનિસ્તાનની એરફોર્સની તાલિબાનોના અનેક સ્થળો પર એરસ્ટ્રાઈકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪થી વધુ આતંકીઓનાં મોત નીપજ્યાં હોવાનો અફઘાન સરકારે દાવો કર્યો છે.
અફઘાનિસ્તાનમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગમાં અફઘાન એરફોર્સે મોટી કાર્યવાહી કરી છે. અલગ અલગ વિસ્તારોમાં એરફોર્સના હવાઈ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪થી વધુ તાલિબાની આતંકીઓ મોતને ભેટયા છે અને ૧૦૦ આતંકીઓ ઘાયલ હોવાનુ જણાવાઈ રહ્યું છે. અફઘાન એરફોર્સે કાબુલ, કંદહાર, હેરાત, હેલમંદ અને ગજની સહિતના ૧૩ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી.
અફઘાન સૈન્યની તાલિબાની આતંકીઓ પરની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. આવા એક હવાઈ હુમલામાં મોટા પાયે વિસ્ફોટકો લઈ જતા એક વાહનને પણ ઉડાવી દેવામાં આવ્યુ છે. કંદહારના એક વિસ્તારમાં તાલિબાનોના બંકરને પણ નિશાન બનાવાયું છે, જેમાં ૧૦ આતંકીઓનાં મોત થયા છે. દરમિયાન અફઘાનિસ્તાનના અનેક ગ્રામીણ વિસ્તારો પર કબજો ધરાવતા તાલિબાનો હજુ સુધી કોઈ મોટા શહેર પર કબજો કરી શક્યા નથી. કંદહાર શહેર પર કબજો કરવા માટે તાલિબાનોએ રવિવારે કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કર્યો હતો. એરપોર્ટના ચીફ મસૂદ પશ્તૂનને ટાંકીને એક અહેવાલમાં જણાવાયંા છે કે દક્ષિણી અફઘાનિસ્તાનમાં સ્થિત કંદહાર એરપોર્ટ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે. આ હુમલા પછી એરપોર્ટ પરથી ઉડ્ડયન કરનારી તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે.
કંદહાર હજી પણ અફઘાન સરકારના નિયંત્રણમાં છે, પરંતુ અહીં તાલિબાનો કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં તાલિબાનોએ અહીં હુમલા વધારી દીદા છે. તાલિબાનોના હુમલાઓના કારણે લોકો પોતાના ઘરો છોડીને નિરાશ્રિત છાવણીઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે. સરકારે કંદહારમાં એક રેફ્યુજી કેમ્પ બનાવ્યો છે, જેમાં ૧૧ હજારથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.
કંદહારના સાંસદ સૈયદ અહેમદ સૈલાબે થોડાક દિવસ પહેલાં જણાવ્યું હતું કે ઈદ પછી તાલિબાનોએ અફઘાની સૈન્ય પર હુમલા વધારી દીધા છે. સમગ્ર કંદહારમાં સામાન્ય લોકો તાલિબાન અને સૈન્ય વચ્ચે ચાલતા સંઘર્ષમાં ફસાયા છે. પરિણામે સ્થિતિ એવી છે કે સૈંકડો લોકો ગામડાઓમાંથી સલામત સ્થળની શોધમાં ઘરોમાંથી ભાગવા મજબૂર બન્યા છે.
એપ્રિલ ૨૦૨૧માં અમેરિકન પ્રમુખ જો બાઈડેને સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યને પાછું બોલાવવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી તાલિબાન ફરી સક્રિય થઈ ગયું છે અને તેણે અફઘાનિસ્તાનના સૈન્ય પર હુમલા વધારી દીધા છે.
તાલિબાનોનો દાવો છે કે તેમણે અફઘાનિસ્તાનના ૮૫ ટકાથી વધુ વિસ્તારો પર કબજો કરી લીધો છે. હવે તેઓ શહેરો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વર્ષના પહેલા છ મહિનામાં અફઘાનિસ્તાનમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા નાગરિકોની સંખ્યામાં ગયા વર્ષના મુકાબલે ૪૭ ટકાનો વધારો થયો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268