Shantishram News, Diyodar, Gujarat.
(માહિતી બ્યુરો વ્યારા-તાપી)
આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિને તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના પનિયારી ગામેથી ઘનીષ્ઠ વનીકરણ ઝુંબેશનો પ્રારંભ વૃક્ષારોપણથી કરવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધી નરેગા યોજના અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૨૮ જુલાઇથી ૦૪ ઓગસ્ટ સુધી
જિલ્લાની કુલ-૨૮૬ ગ્રામ પંચાયત વિસ્તારમાં ૩ લાખ વૃક્ષોના વાવેતર કરી વનીકરણ ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ આ ઝુંબેશનો શુભારંભ કરી પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,
કોરોનાની મહામારીમાં પણ રાજ્ય સરકારના સફળ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિકાસના કાર્યો અવિરત પણે ચાલુ રહ્યા છે.
આ સમયમાં વૃક્ષોનું મહત્વ પણ આપણે સૌ સમજ્યા છીએ.
વૃક્ષો ધરતીનું ઘરેણું અને કુદરતનું સૌંદર્ય છે. બાળકના પારણાથી લઇ માનવીની ચિતા સુધી વૃક્ષો એક અથવા બીજી રીતે આપણી સાથે રહે છે.
માનવ જીવનમાં વૃક્ષોનો મહિમા અપાર છે.
હાલના પ્રદુષણ યુક્ત વાતવરણને શુધ્ધ કરવા અને આવનાર પેઢીને સુરક્ષિત પર્યાવરણ આપવા આપણે વધુમા વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ.
તાપી જિલ્લાને હરિયાળુ બનાવવા આ અઠવાડીયામાં ૩ લાખ વૃક્ષો રોપવાના લક્ષ્યને આપણે સૌ સાથે મળી સફળ બનાવીએ.
તેમણે તાપી જિલ્લાને હરિયાળો બનાવવાનાની સાથે ગ્રામજનોને રોજગારી પુરી પાડવાના શુભ આશયથી
મનરેગા યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ ઉપાડેલ વનીકરણ ઝુંબેશની સરાહના કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે,
વૃક્ષોનું જતનએ સામાન્ય લાગતી બાબત છે પરંતું ખરેખર તે સમગ્ર સૃષ્ટીની ઇકો સિસ્ટમને સુધારવાનું અતિ મહત્વનું કાર્ય કરે છે.
જેના થકી પૃથ્વીના પર્યાવરણને સુધારવાની સાથે માનવ જીવન-પશુપક્ષીઓને રહેઠાણ અને સ્વચ્છ-તંદુરસ્ત વાતાવરણ મળી રહે છે.
આપણે સૌ ભાગ્યશાળી છીએ કે તાપી જિલ્લો કુદરતી સંપદાથી ભરપુર છે અને
અહી વૃક્ષ ઉછેર માટે ભરપુર જગ્યા છે.
ત્યારે આપણે સૌ વધુમાં વધુ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરીએ.
કલેકટરશ્રીએ તાપી જિલ્લાના ૮ લાખ લોકો ફક્ત એક-એક વૃક્ષ વાવે તો આગામી સમયમાં જિલ્લાની કાયાપલટ થઇ શકે છે.
તેમ જણાવી ચોમાસાનો સમય ઔષધિય, ઘેધુર,ધાર્મિક વૃક્ષો વાવવા સહિત કુદરતનું સંવર્ધન કરવાનો શ્રેષ્ઠ સમય છે.
આ પ્રસંગે ડી.ડી.ઓ ડૉ.દિનેશકુમાર કાપડિયાએ વનીકરણ ઝુંબેશ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,
જિલ્લામાં મનરેગા યોજના અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી મિયાવાકી પધ્ધતિથી
૩૦ પ્રોજેક્ટ, બ્લોક પ્લાન્ટેશનથી-૧૯૧, બોર્ડર પ્લાન્ટેશન-૩૦૦, બાગાયતી-૭૦૦,
સરકારી પરીસર-૬૦, નર્સરી-૫ એમ વિવિધ પધ્ધતિ થકી
૧૨૯૪ જેટલા પ્રોજેક્ટ હેઠળ કુલ-૩ લાખ રોપા તાપી જિલ્લામાં અલગ-અલગ વિભાગના સંકલન સાથે ઉછેર કરવામાં આવશે.
આ વૃક્ષોના જતનની જવાબદારી જે-તે વિભાગ સંભાળશે. રોપવામાં આવેલ વૃક્ષોની તમામ જગ્યાએ ફેન્સીંગ કરવામાં આવશે અને
ગ્રામજનોને ઉપયોગી લાકડા અને ફળાઉ વૃક્ષોનું વધુમાં વધુ ઉછેર કરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગામના સખી મંડળની બહેનો દ્વારા દરેક સભ્ય દીઠ ઓછામાં ઓછા ૫ વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લેવા તેમણે ભારપુર્વક અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામા દ્વારા સ્વાગત પ્રવચન જ્યારે નાયબ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ફાલ્ગુની ચૌધરીએ આભારવિધી કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી જિલ્લાને વનસંપદાથી સમૃધ્ધ બનાવવાનો પ્રણ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક આનંદ કુમાર, સામાજિક વનીકરણ વિભાગ સુરતના દિનેશભાઇ રબારી,
જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મોહનભાઇ કોંકણી,
જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ અર્જુનભાઇ ચૌધરી, પનિયારી સરપંચ જીતુભાઇ,
ટીચકપુરા સરપંચ, અન્ય મહાનુભવો, વનવિભાગ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268