



કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇના સૂકાન સમયથી ગુજરાત અગ્રેસર રહ્યું છે, છેલ્લા ૨૦ વર્ષથી અગ્રેસર ગુજરાત આવનારા સમયમાં પણ અગ્રેસર રહે તેવું આયોજન કરાયું છે. ગુજરાતનો વિકાસ ઉત્તરોતર થઇ રહ્યો છે અને અવિરત આગળ વધતો જ રહેવાનો છે એમ
તેમણે ઉમેર્યું હતું.
અમિત શાહે તેમના સંસદીય મત ક્ષેત્રની અંદર વિવિધ પ્રકારના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમણે અમદાવાદ સાણંદ વિસ્તારની મુલાકાત પણ લીધી હતી અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂલા પર થતી રસોઈ એ માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ઘરના તમામ સદસ્યો અને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્યને ગંભીર હાનિ પહોચાડે છે. આ સમસ્યાના નિવારણ માટે નરેન્દ્રભાઇ મોદીએ સંખ્યાબંધ ગેસ કનેક્શન આપ્યા છે. ONGCના સહયોગથી ગાંધીનગરની 13 હજાર બહેનો અને અમદાવાદમાં 6 હજાર બહેનોને ગેસ કીટ આપવાનું કામ કરવામાં આવનાર છે.
સ્મોકલેસ વિલેજ યોજના અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારના તમામ અંત્યોદય તેમજ બીપીએલ પરિવારોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવાની કામગીરીનો શુભારંભ પણ થયો હતો.