



શિક્ષણ ક્ષેત્રે કચ્છ માટે અતિ મહત્વની એવી કચ્છ યુનિવર્સિટી વખતે ને વખતે પોતાની સિદ્ધિઓથી કચ્છને વિશ્વ સ્તરે નામના અપાવે છે. યુનિવર્સિટીના દરેક વિભાગ દરરોજ કોઈને કોઈ નવી સિદ્ધિ હાંસલ કરી કચ્છને ગૌરવ અપાવે છે. ત્યારે હાલમાં જ યુનિવર્સિટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગની વિદ્યાર્થિની ઇઝરાયેલની એક યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરાષ્ટ્રીય સમર કોર્સ માટે વિશ્વભરમાંથી પસંદ થયેલા 24 વિદ્યાર્થીઓમાંથી એક બની છે. ઇઝરાયેલના નેગેવની બે-ગુરિયન યુનિવર્સિટી દ્વારા જુલાઈ મહિનામાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ” પર એક આંતરરાષ્ટ્રીય સમર કોર્સ યોજવામાં આવ્યું છે. આ કેમ્પમાં વિશ્વભરમાંથી માત્ર 24 સહભાગીઓ પસંદ કરાયા છે જેમાંથી બે જ સ્કોલર ભારતના છે અને તે પૈકી એક કચ્છ યુનિવર્સિટીના પી.એચ.ડી. સ્કોલર મોનિકા શર્માની પસંદગી કરવામાં આવી છે. મોનિકા શર્મા અબડાસાના એક ખેડૂતની પુત્રી છે. મોનિકાએ ખરેખર શુષ્ક પ્રદેશોની વાસ્તવિક ગ્રામીણ કૃષિ સમસ્યાઓ જોઈ છે અને ખેડૂતો દરરોજ જે મુશ્કેલીઓ અનુભવે તેનાથી વાકેફ છે. કાયમી સમસ્યાઓ નાબૂદ કરવાનું વિચારીને યુનિવર્સિટીના અર્થ અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગમાં ડો, સોરઠીયા અને ગાઇડ સંસ્થાના ડાયરેકટર ડૉ. વિજયકુમાર, ડૉ.કાર્તિકેયનના માર્ગદર્શન હેઠળ સંશોધન વિદ્યાર્થી તરીકે જોડાઈ હતી.