



ભારતીય રિઝર્વ બેંકે કર્ણાટકની એક બેંક વિરુદ્વ મોટી કાર્યવાહી કરી છે. બેંક પાસે પર્યાપ્ત પૈસા ના હોવાથી RBIએ કર્ણાટકના બાગલકોટની મુઘોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના લાઇસન્સને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ખાતાધારકો આ બેંકમાંથી કોઇપણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરી શકશે નહીં. બેંકની આવક પણ લગભગ પૂરી થઇ ગઇ છે. બેંકની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ RBIએ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. જે ખાતાધારકોના ખાતામાં પૈસા પડ્યા છે તેઓને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. નોંધનીય છે કે ડીઆઈસીજીસી (ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) હેઠળ ગ્રાહકોના બેંક ખાતામાં જમા પૈસા પર વીમાની સુવિધા આપવાનું કામ કરે છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં જેમ કે બેંકનું લાઇસન્સ રદ કરવું અથવા બેંક ડૂબી જવાના કિસ્સામાં વીમા કવચનો લાભ મળે છે. આપને જણાવી દઇએ કે DICGC હેઠળ ગ્રાહકોને વિવિધ પ્રકારની યોજનાઓ પર લાભ મળવા પાત્ર છે. આમાં તમને સેવિંગ્સ એકાઉન્ટ, એફડી સ્કીમ, કરન્ટ એકાઉન્ટ વગેરે જેવી સ્કીમ્સ પર વીમાની સુવિધા મળશે.