



પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં ઘોડાપૂર જોવા મળે છે. નદી કાંઠે રહેલા ખેતરોમાં આ પાણી ફરી વળે છે. જેના કારણે ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવે છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામના ખેડૂત મેરામણ કરશન પરમાર તેમજ મશરી માલદે પરમારના ખેતરની અંદર બોબળી નદીનો પારો તૂટતા છેલ્લા બે વર્ષથી ખેતરનું ધોવાણ થઇ રહ્યું છે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધીઓને રજુઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનને જાણ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના આગેવાનો સાથે મહિયારી ગામે સ્થળ મુલાકાત લીધી હતી. નિરીક્ષણ કરતા કોંગ્રેસને એવું જાણવા મળ્યું કે ખરેખર બોબળી નદીનો પારો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ખેડૂતો કોઇપણ જાણનું વાવેતર કરી શકશે નહીં અને હજુ પણ જો મોટુ ધોવાણ થશે તો ખેડૂતની જમીનો વાવેતર લાયક નહીં રહે અને જમીન ખારાશ વાળી થઇ જશે અને તેઓની આજીવીકા છીનવાઇ જશે. ખેડૂતો આવનારા દિવસોમાં આફતના હિસાબે ના છૂટકે આપઘાત કરવા સીવાય કોઇ રસ્તો રહેશે નહીં તેમ જણાવી કોંગ્રેસે ક્ષાર અંકુશ વિભાગના ઇજનેરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. તેમજ કોંગ્રેસે એમ પણ કહ્યું કે જો ૮ દિવસની અંદર બોબળી નદીનો પારો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ના છુટકે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી કાર્યપાલક ઇજનેરની કચેરીને ઘેરાવ કરીને તાળાબંધી કરશે તેવી પણ ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે. ત્યારે આ મુદ્દે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર જયેશ કારાવદરાએ જણાવ્યું હતું કે ખેડૂતની રજુઆત મળી છે, સ્થળ મુલાકાત લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.