



પાટણમાં 10 હજાર જગ્યાઓ સામે ધો -10 માં 9126 બાળકો પાસ થતા સરળતાથી પ્રવેશ મળશે પાટણ જિલ્લામાં આ વર્ષે પરિણામ ફક્ત 54. 26 % નીચુ આવતા સામે જિલ્લામાં 145 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હોય જેમાં 10 હજારથી વધુ બેઠકો સામે ફક્ત 9 હજાર જેટલાં બાળકો પાસ થયા હોય જિલ્લામાં બાળકોને પ્રવેશ લેવામાં કોઈ મુશ્કેલી રહેશે નહીં તેવું જોવા મળી રહ્યું છે . પાટણ જિલ્લામાં ધોરણ 10 માં 16811 બાળકોએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી 7685 બાળકો નપાસ થતા ફક્ત 9126 બાળકો જ પરીક્ષામાં પાસ થવા પામ્યા છે . ત્યારે ધો -10 પાસ બાદ ધો -11 માં પ્રવેશ માટે બાળકો તેમજ વાલીઓ આતુરતાથી શાળાઓમાં પૂછપરછ શરૂ કરી દીધી છે . મોટાભાગની શાળાઓમાં પ્રવેશ માટેના ફોર્મ વિતરણ શરૂ થઈ ગયા હોય વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા શરુ થતા પહેલાં પ્રવેશ મળી રહે તે માટે ફોર્મ લઇ જઇ રહ્યા છે . ત્યારે હાલમાં વાલીઓને બાળકોના પ્રવેશને લઈને ચિંતા હોય જિલ્લામાં કેટલીક શાળાઓને કેટલી બેઠકો તે બાબતે આંકડાકીય વર્ગીકરણ કર્યું હતું . જેમાં પાટણ જિલ્લામાં 82 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને 64 ખાનગી શાળાઓ જેમાં અંદાજે એક અથવા બે વર્ગ કાર્યરત હોય 60 થી 120 બેઠકો મળી અંદાજે પ્રવેશ કુલ 10 હજાર જગ્યાઓ પર પ્રવેશ પ્રક્રિયા કરાશે . ત્યારે જિલ્લામાં ધો -10 માં 9126 બાળકો જ પાસ થયાં હોય સામે બાળકો કરતા 1 હજાર કરતાં વધુ બેઠકો હોય જિલ્લામાં સરેરાશ તમામ બાળકોને પ્રવેશ લે તો પણ સરળતાથી પ્રવેશ મળી રહેશે.