Shantishram News, Diyodar, Gujarat.
પાલનપુર ટાઉનહોલ (Palanpur Town Hall) ખાતે બેન્ક ઓફ બરોડા (Bank Of Baroda) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ બેન્કોના ૫,૦૦૦ જેટલાં લાભાર્થીઓને કુલ- ૩૦૬ કરોડ રૂપિયાની માતબર રકમનું ધિરાણ લોન અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે
તેમણે કહ્યું કે, ભૂતકાળના સમયમાં સામાન્ય માણસ બેન્કના પગથીયા સુધી પહોંચી શકતો નહોતો, આજે બેન્ક દ્વારા તમામ લોકોને સરળતાથી લોન અને સરળ પધ્ધતિથી ધિરાણ આપવામાં આવે છે.
જેનાથી એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ સહિત તમામ ક્ષેત્રોનો ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ-૨૦૧૪ પહેલાં દેશમાં ૫૦ ટકા લોકોના બેન્ક ખાતા નહોતા,
આજે જન ધન યોજના ( Jan Dhan Yojana) ના માધ્યમથી ૪૩ કરોડ લોકોના નવા ખાતા ખોલવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, હવે સમય બદલાયો છે,
દરેક લોકો બેન્કો સાથે સારો સંબંધ રાખી લીધેલી લોનના સમયસર હપ્તાઓ ભરે છે જેના લીધે બેન્કો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો અતુટ સેતુ બંધાયો છે.
તેમણે કહ્યું કે, કોરોના કાળ બાદ બેન્કીંગ સેવાઓનો વ્યાપ વધારવા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા જિલ્લામાં ૫,૦૦૦ થી વધુ લાભાર્થીઓને રૂ. ૩૦૦ કરોડથી વધુ લોન અપાઇ છે.
બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલે (Parbatbhai Patel) જણાવ્યું કે, સરકારશ્રીની લોક કલ્યાણકારી નીતિઓને કારણે આજે લોકો બેન્કોમાંથી સરળતાથી ધિરાણ મેળવી પ્રગતિ કરી શકે છે.
સાંસદશ્રીએ કહ્યું કે, વર્ષ-૨૦૨૨ સુધી ખેડુતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સપનાને સાકાર કરવા પશુપાલકોના માધ્યમથી બનાસ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.
દૈનિક ૮૫ લાખ લીટર દૂધ સંપાદન કરી સમગ્ર એશિયામાં દૂધ સંપાદનમાં બનાસ ડેરી નંબર વન છે.
તેમણે બેન્કના અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, બેન્કમાં આવતા ગ્રાહકો આપણા માટે ભગવાન સમાન છે ત્યારે આપણી બેન્કમાં આવતા દરેક ગ્રાહકો અને ખેડુતોને સંતોષ થાય તેવી રીતે કામ કરીએ.
બેન્ક ઓફ બરોડાના એજ્યુક્યુટીવ ડાયરેકટર અને એસએલબીસી ગુજરાતના ચેરમેનશ્રી વિક્રમાદિત્ય સિંઘ ખિચીએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાણા વિભાગ દ્વારા તા. ૧૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર-૨૦૨૧ સુધી દેશભરમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે બેન્ક ઓફ બરોડાની ધિરાણની વિગતો આપી હતી. મંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનાર બેન્કર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજરશ્રી મહેશ બંસલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના જનરલ મેનેજરશ્રી અમૃતેષ મોહન, અગ્રણીશ્રી કૈલાશભાઇ ગેલાત, લીડ બેન્ક મેનેજરશ્રી ફુલસિંઘ મીના,
બનાસકાંઠા બેન્ક ઓફ બરોડાના રિજ્યોનલ મેનેજરશ્રી રાકેશ ચલાવરીયા,
બનાસ ડેરીના જનરલ મેનેજરશ્રી પ્રફુલભાઇ ભાનવાડીયા સહિત અગ્રણીઓ, બેન્કના અધિકારીઓ અને સારી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268